મોરબી : આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ સમિતિના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ બાવરવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરીને મોરબીના મચ્છુ નદી પર બાંધેલા અર્જુન સાગર ચેકડેમ જે માનસર તથા સામે રવાપર ગામની સીમમાં બાંધેલો છે તેનું રિપેરિંગ કરવા માગ કરી છે.
રજૂઆતમાં જણાવાયું છે કે, મોરબી જિલ્લામાં આવેલ મચ્છુ નદી ઉપર માનસર અને સમા કાંઠે રવાપર ગામની સીમને જોડતો એવો એક ચેકડેમ બાંધવવામાં આવેલ હતો જેને અર્જુન સાગર નામ કરણ પણ કરવામાં આવેલ હતું. આ ચેકડેમ અતિવૃષ્ટિમાં તૂટી જવા પામ્યો હતો. જે છેલ્લે ત્રણ વર્ષથી તૂટેલી હાલતમાં છે. જેને રિપેરિંગ કરવા માટે રજૂઆતો પણ થઈ છે. પરંતુ ખનીજ માફિયાઓના લાભાર્થે અમુક લોકો દ્વારા આ ચેકડેમના થાય તેવા પ્રયત્નો કરવામાં આવતા હોવાનું સાંભળવા મળ્યું છે. આ ચેકડેમ દ્વારા આશરે 1200 હેક્ટર કરતા પણ વધારે ખેતી લાયક જમીનમાં સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થઈ હતી. જે હાલમાં સિંચાઈ થી વંચિત રહેવા પામી છે. જો આ ચેકડેમ રિપેર થાય તો આ બધા ખેડૂતોને સિંચાઈનો લાભ મળી શકે તેમ છે. તો આ ચેકડેમ તાત્કાલિક રીપેર કરવા યોગ્ય કરવા અમારી માંગણી છે. જો આવું કરવામાં નહીં આવે તો આ બધા ખેડૂતોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજૂઆતો કરવાની ફરજ પડશે.