વિશ્વભરની સિરામિક ઈન્ડસ્ટ્રીને હંફાવનાર મોરબીના સીરામીક ઉધોગના વિકાસને બિરદાવ્યો
મોરબી : નવનિર્મિત જિલ્લા ભાજપ કાર્યાલય કમલમનું ઉદઘાટન કરીને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોરબીની જીંદાદિલી અને મહેનતને બિરદાવીને કહ્યું હતું કે મોરબીમાં ગમે તેવી મુસીબતો સામે લડવાની કુદરતી બક્ષિસ છે. મારા નનપણમાં મોરબીમાં મચ્છુ ડેમ તૂટવાથી જળ પ્રલયની એવી ગોઝારી દુર્ઘટના સર્જાઈ કે થોડીવારમાં મોરબી સ્મશાન બની ગયું જો કોઈ બીજું શહેર હોત તો તે શહેરને બેઠા થવામાં વર્ષોના વર્ષ નીકળી ગયા હોત. પરંતુ આજે મોરબીને જોતા કોઈને પણ લાગે નહિ કે અહીં જળ પ્રલયની ઘટના બની હશે !
મોરબીમાં સિરામિક ઉદ્યોગની શરૂઆત થઈ ત્યારે સિરામિક ઉદ્યોગ માટે જરૂરી ચીજવસ્તુઓ જોઈએ તેમાંનું કશુ પણ મોરબીમાં ન હતું. પરંતુ મોરબીના પાટીદાર સમાજે નક્કી કર્યું કે સિરામિક ઉદ્યોગ નાખવો તો વતનમાં જ નાખવો. આજે સિરામિક ઉદ્યોગ માટે સૌથી અનુકુળ જગ્યા મોરબી બની ગયું છે. વિશ્વભરની સિરામિક ઈન્ડસ્ટ્રીને પાણી પીતા કરવાનું કામ મોરબીના ભાયડાઓએ કર્યું છે. સિરામિક હોય કે પછી ઘડિયાળ દરેક ક્ષેત્રમાં મોરબીએ વિશ્વભરમાં સૌરાષ્ટ્રનું નામ આગળ કર્યું છે.
આપણા સૌના માટે ભાજપનું કાર્યાલય એ આપણું બીજું ઘર છે. કાર્યાલય કેવું હોવું જોઈએ એનું મોડેલ કોઈને બતાવવું હોય તો હું અત્યાર સુધી તેલંગણા મોકલતો હતો પરંતુ હવે મોરબી મોકલીશ. મોડેલ કાર્યાલય કેવું હોવું જોઈએ એ જોવું હોય તો મોરબીનું કમલમ કાર્યાલય જોવું જોઈએ. કાર્યાલય બનાવવા માટે જે કોઈએ મહેનત કરી છે તે તમામ કાર્યકરોને વંદન કરું છું. આ કાર્યાલયમાં કોન્ફરન્સ રૂમ, અધ્યક્ષનો રૂમ, મહાસચિવનું કાર્યાલય, મહિલા મોરચા અને મોરચાઓની ચેમ્બર, આઈટીની ચેમ્બર, ઓડિટોરિયમ, ભોજનની વ્યવસ્થા, કોલ સેન્ટર અને સૌથી અગત્યનું કામ લાઈબ્રેરી બનાવવાનું કામ આ કાર્યાલયમાં થયું છે. આપણી પાર્ટી ચાલવાનો આધાર નેતા નહીં પણ આપણું સંગઠન અને સિદ્ધાંતો છે. મોરબીનું કમલમ કાર્યાલય તમામ સુવિધાથી યુક્ત, આધુનિક અને પરંપરાઓની જાળવણી કરવા વાળું કાર્યાલય બન્યું છે તે બદલ સૌ કાર્યકરોને હું અભિનંદન પાઠવું છું. આ કાર્યાલય ભાજપના પ્રચાર-પ્રસારનું એક મોટું કેન્દ્ર બનશે.
જે લોકો ભાજપ અને એનડીએના વળતા પાણીની વાત કરતાં હતા તેમણે બિહારની જનતાએ જવાબ આપ્યો છે અને બહુમતીથી સરકાર બની છે. જે લોકો વળતા પાણીની વાત કરતાં હતા તેઓ કાન ખોલીને સાંભળી લે કે તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં પણ ભાજપ અને એનડીએની સરકાર બનવાની છે. બિહારમાં ચૂંટણી જાહેર થઈ ત્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઘુસપેઠિયા બચાવો યાત્રા લઈને નીકળ્યા હતા. મતબેંકની લાલચમાં ઘુસપેઠિયાઓના સમર્થનમાં રેલી કાઢી. પરંતુ જનતાએ ઘુસપેઠિયા મુક્ત બિહાર માટે ભાજપ અને એનડીએને મત આપ્યા. ભાજપ સરકારનો સંકલ્પ છે કે દેશભરમાંથી ઘુસપેઠિયાઓને વીણી વીણીનો બહાર કાઢવામાં આવશે. હું એક ભવિષ્યવાણી કરું છું કે આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસના સુપડા સાફ થઈ જવાના છે. જ્યાં સુધી સ્થાનિક સ્વરાજમાં કોંગ્રેસની સ્થિતિ દુરબીન લઈને શોધવી પડે તેવી ન થાય ત્યાં સુધી આપણે પગવાળીને બેસવાનું નથી.