મોરબી : મોરબી શહેરમાં ચોમાસા પૂર્વે જર્જરિત જોખમી બાંધકામ હટાવવા આદેશ કરવા છતાં ઇમારતના માલિકોએ આવા બાંધકામ ન હટાવી આવા મકાનમાં જ વસવાટ ચાલુ રાખ્યો હોય મહાનગર પાલિકા દ્વારા 15 જર્જરિત મકાન અને એક એપાર્ટમેન્ટનું વીજ જોડાણ કાપી નાખતા લાઈટ વગર લોકો બફારામા રોડ ઉપર આવી ગયા હતા.
મોરબી મહાનગર પાલિકા દ્વારા ગુજરાત હાઉસિંગ બોર્ડમા આવેલ ચાર મકાન, નાની બજાર, વેરાઈ શેરી, વાવડી રોડ ઉપર આરડી માર્ટ સામે, ન્યારા પંપ સામે, લાયન્સ નગર શાળા ગોકુલ નગર પાસે, મિલનપાર્ક 2, વાવડી રોડ ઉપર અન્ય ત્રણ મકાન, કબીર ટેકરી, ગ્રીન ચોક અને આલાપ રોડ ઉપર કુલ 15 બાંધકામ તેમજ વ્રજ એપાર્ટમેન્ટ નામનું બિલ્ડીંગ જર્જરિત હોય અગાઉ ત્રણ ત્રણ નોટિસ આપવા છતાં અસામીઓએ બાંધકામ દૂર કરવા કે રીપેરીંગ માટે તસ્દી ન લેતા અંતે મહાનગર પાલિકાએ બુધવારે આ તમામ ઇમારતોના લાઈટ કનેક્શન કાપી નાખ્યા હતા
મહાનગર પાલિકા દ્વારા લાઈટ કનેક્શન કાપવાની સાથે પાણીના નળજોડાણ પણ કટ્ટ કર્યા છે. બીજી તરફ કાળઝાળ ગરમી અને બફારા વચ્ચે લોકોના વીજ જોડાણ કટ્ટ થઈ જતા અંધારા અને બફારામા લોકો પરિવાર સાથે રોડ ઉપર ખુલ્લામાં બેસવા મજબુર થયા હોવાનું સામે આવ્યું છે. મહાનગર પાલિકા દ્વારા હજુપણ શહેરમાં બાકી રહેતી તમામ જોખમી ઇમારતોના માલિકો સામે કડક પગલા લેવાના મૂડમાં છે.