Saturday - Aug 29, 2026

જડેશ્વર મહાદેવના ધામે મેળા બાદ કચરાના મહાકાય ગજ, સ્વચ્છતા માટે સેવાભાવી ટીમ મેદાને

જડેશ્વર મહાદેવના ધામે મેળા બાદ કચરાના મહાકાય ગજ, સ્વચ્છતા માટે સેવાભાવી ટીમ મેદાને

મોરબી: જડેશ્વર મહાદેવનું મંદિર રતન ટેકરીઓની વચ્ચે આવેલા રમણીય સ્થળે આવેલું હોવાથી શ્રાવણ માસ દરમિયાન અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટે છે. હાલ વરસાદી માહોલ વચ્ચે ટેકરીઓ પર કુદરતી સૌંદર્ય પણ ખીલી ઊઠ્યું છે, પરંતુ શ્રાવણના બીજા સોમવારે યોજાયેલા મેળા બાદ મંદિરના મેળા મેદાનમાં જ્યાં નજર પડે ત્યાં કચરો જોવા મળતા કુદરતી સૌંદર્ય વચ્ચે કચરાનો મહાકાય ગજ ઊભો થયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.

મેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા ખાણી-પીણીની વસ્તુઓના પેકેટ, પ્લાસ્ટિકની થેલીઓ, પાણીની બોટલો સહિતનો કચરો લોકો દ્વારા મેદાનમાં જ છોડી દેવાતા આ સ્થિતિ સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. એક તરફ વરસાદથી રતન ટેકરીઓ હરિયાળીથી સજી ઉઠી છે અને જડેશ્વર ધામનું કુદરતી સૌંદર્ય મનમોહક બન્યું છે, ત્યારે બીજી તરફ માનવસર્જિત કચરો આ સૌંદર્યને ઝાંખું કરી રહ્યો છે.

 

જડેશ્વર મહાદેવના ધામે મેળા બાદ કચરાના મહાકાય ગજ, સ્વચ્છતા માટે સેવાભાવી ટીમ મેદાને

આ પરિસ્થિતિને ધ્યાને લઈ કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવાર, તા. 30 ઓગસ્ટના રોજ સવારે 7 વાગ્યાથી જડેશ્વર મહાદેવના મેળા મેદાનમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવશે. ટ્રસ્ટની ટીમ ઉપરાંત મોરબી, વાંકાનેર અને આસપાસના વિસ્તારોના યુવાનો, સામાજિક કાર્યકરો તથા જાગૃત નાગરિકોને પણ સ્વયંસેવક તરીકે જોડાવા અપીલ કરાઈ છે.

મેળો પૂર્ણ થયા બાદ સ્થળને સ્વચ્છ રાખવાની જવાબદારી માત્ર તંત્ર કે આયોજકોની નહીં, પરંતુ મેળામાં આવતા દરેક નાગરિકની પણ છે. મહાદેવના ધામમાં દર્શન સાથે પ્રકૃતિ અને પર્યાવરણ પ્રત્યેની જવાબદારી નિભાવવાનો સંદેશ આપતું આ સ્વચ્છતા અભિયાન યોજાઈ રહ્યું છે. ટ્રસ્ટ દ્વારા લોકોને પણ અપીલ કરવામાં આવી છે કે ધાર્મિક તથા કુદરતી સ્થળોએ કચરો ન ફેંકી સ્વચ્છતા જાળવવામાં સહભાગી બને.