(રવિ બરાસરા )મોરબી : છેલ્લા થોડા દિવસોથી શિક્ષણ અને શિક્ષકની ખામી ખૂબીઓ વિશે ખૂબ ચર્ચા થઈ રહી છે,ઘણા લોકો શિક્ષકની નૈતિકતા,નિષ્ઠા અને નિયમિતતા વિશે આંગળી ઉઠાવતા હોય છે,ત્યારે મોરબીના ગોવિંદભાઈ વાલજીભાઈ ગઢીયા નામના નિવૃત શિક્ષકને વંદન કરવાનું મન થાય એવું કાર્ય કરી રહ્યા છે, અને શિક્ષક કભી સાધારણ નહિ હોતાની ઉક્તિને સાર્થક કરી રહ્યા છે.વાત જાણે એમ છે કે મોરબીમાં વીસી ફાટકની સામે બુનિયાદી કન્યા પ્રાથમિક શાળા આવેલી છે,આ શાળામાં હાલ 300 ઉપરાંત વિદ્યાર્થીનીઓ છે, ગોવિંદભાઈ નિવૃત થવાના કારણે હાલ શાળામાં શિક્ષકોની ઘટ્ટ હોય બાળકો શિક્ષક અને શિક્ષણથી વંચિત રહી ન જાય બાળકોનું શિક્ષણ બગડે નહિ એ માટે ગોવિંદભાઈ નિવૃત્તિ બાદ પણ શાળામાં દરરોજ નિયમિત આવીને વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય કરાવે છે અને તેઓ વિદ્યાર્થીઓને દરરોજ પદ્ધતિસરનું શિક્ષણ આપે છે.સાથેસાથે શિક્ષણ બોજ વગરનું ન લાગે તેવું શિક્ષણ પ્રદાન કરી રહ્યા છે. એટલે તેઓ વિદ્યાર્થીઓને રોજ ભાર વગરનું ભણતર શીખવાડે છે. જો કે શિક્ષણને એટલા સમર્પિત છે કે, તેઓ શિક્ષણ આપે ત્યારે જ તેમના મનને પરમ સંતોષ મળે છે. તેઓ કહે છે કે, છેલ્લી ઘડી સુધી બાળકોને શિક્ષણ આપશે. જે શિક્ષકની સાથે વર્ષો સુધી કામ કર્યું છે એવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મોરબી જિલ્લા અધ્યક્ષ દિનેશભાઈ વડસોલાએ નિવૃત શિક્ષકની રૂબરૂ મુલાકાત લઈ એમના વર્ગકાર્યને નિહાળ્યું અને એમની અનન્ય સેવાને બિરદાવ્યું હતું.