મોરબી : મોરબી શહેર અને જિલ્લામાં ખાણખનીજ વિભાગ અને આરટીઓના ચેકીંગ સમયે મન પડે ત્યાં માટી, રેતી હાઇવે ઉપર ઠાલવી નાસી જતા ટ્રક ચાલકો સામે કોઈ પગલાં લેવાતા ન હોય ખનીજચોરી કરતા તત્ત્વોની હિંમત વધી હોય ત્યારે મોરબી જિલ્લા ટ્રાફિક પોલીસે આવા તત્વો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી લાલપર નજીક માટી ઠાલવનાર ટ્રક ચાલકને ઝડપી લીધો હતો.
મોરબી જિલ્લામાં ખનીજચોરી કરતા તત્વો અને ઓવરલોડિંગ ચાલતા કાળમુખા ડમ્પર ચાલકોને જયારે જયારે ચેકિંગની ભીંસ પડે ત્યારે હાઇવે ઉપર માટી-રેતીના ઢગલા કરીને નાસી જતા હોવાની અનેક ઘટનાઓ વચ્ચે મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે ઉપર લાલપર નજીક હાઇવે ઉપર અન્ય વાહનો માટે જોખમ સર્જાય તે રીતે માટી ઠાલવી નાસી જતા જિલ્લા ટ્રાફિક પોલીસે સીસીટીવી ટ્રકની ઓળખ મેળવતા જીજે-13-એએક્સ-4593 નંબરનો ટ્રક ચાલક હમીર સુખાભાઈ મકવાણા રહે.મોરથળા, તા.થાન, જિલ્લો સુરેન્દ્રનગર વાળાએ માટી ઠાલવી હોવાનું સામે આવતા આરોપીને ઝડપી લઈ કાયદાનું ભાન કરાવ્યું હતું.