એલઈ ગ્રાઉન્ડ ખાતે આયોજિત સશક્ત નારી મેળામાં વિવિધ વસ્તુઓના 100 જેટલા સ્ટોલ
મોરબી : મોરબીમાં આજથી ત્રિદવસીય સશક્ત નારી મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોરબીના એલઈ ગ્રાઉન્ડ ખાતે તારીખ 19 થી 21 ડિસેમ્બર સુધી આ મેળો ચાલશે. વન ડિસ્ટ્રીક્ટ વન પ્રોડક્ટ અંતર્ગત આ સશક્ત નારી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મોરબી જિલ્લાની સખી મંડળો અને સ્વ સહાય જૂથની મહિલાઓને પગભર કરવા માટે અને તેમની પ્રોડક્ટને પ્રોત્સાહન આપવા માટે આ મેળો યોજાયો છે.
મોરબી જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા, રોજગાર મંત્રી કાંતિલાલ અમૃતિયાના હસ્તે આ સશક્ત નારી મેળાને ખુલ્લો મૂકવામાં આવ્યો છે. ઉપસ્થિત મહેમાનોએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈને મહિલાઓની પ્રોડક્ટને નિહાળીને તેઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. આ મેળામાં ઘર વપરાશની વસ્તુઓ, કપડા, ચપ્પલ, ભરત ગુંથણ સહિતની અલગ અલગ વસ્તુઓના 100 જેટલા સ્ટોલ ઉભા કરાયા છે. લોકો સવારે 10 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી આ મેળાની મુલાકાત લઈ શકે છે.
આ પ્રસંગે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, સ્વદેશી વસ્તુઓની સાથે સાથે સ્વ સહાય જૂથો અને નાના કારીગરો દ્વારા બનાવેલી વસ્તુઓને આ મેળામાં વિવિધ સ્ટોલમાં રાખવામાં આવી છે. જેથી ખૂબ મોટા પ્રમાણમાં નાના કારીગરોની વસ્તુઓ અને સખી મંડળોની વસ્તુઓની વેચાણ થશે. આ પ્રકારના મેળા અને કાર્યક્રમોથી દેશની સ્વદેશી ચળવળને વેગ મળે છે. મોરબી ખાતે યોજાયેલો આ સશક્ત નારી મેળો પણ સ્વદેશી ચળવળને ખૂબ વેગ અપાવશે. મોરબી ખાતે યોજાયેલા મેળામાં GLPCના 32, NULMના 10, કૃષિ વિભાગના 15, કુટિર અને ગ્રામોદ્યોગના 13, વન અને પર્યાવરણ વિભાગના 5, મહિલા આર્થિક વિકાસ નિગમના 20, કો-ઓપરેટિવ સેક્ટરના 5 મળી કુલ 100 જેટલા સ્ટોલ ઉભા કરાયા છે. આ મેળામાં જે કારીગરોને લોનની જરૂરિયાત હોય તો તે માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.