Saturday - Apr 18, 2026

વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ ચોરી પર પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની ટીમ ત્રાટકી

વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ ચોરી પર પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની ટીમ ત્રાટકી

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ચિત્રાખડા ગામમાં શીતળા માતાના મંદિર પાસે ગેરકાયદેસર ખનીજ ચોરી થતી હોવાની બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ અને મોરબી ખાણ-ખનીજ વિભાગે સંયુક્ત ઓપરેશન પાર પાડીને 45,00,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

રાજકોટ રેન્જ આઈ.જી.પી. નિર્લિપ્ત રાય, મોરબી પોલીસ અધિક્ષક એમ.એન. પટેલ અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એસ.એચ. સારડા દ્વારા ગેરકાયદેસર ખનન કરતા ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સખત સૂચના આપવામાં આવી હતી. આ સૂચના અંતર્ગત વાંકાનેર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ અને સર્વેલન્સ સ્ટાફને સંયુક્ત બાતમી મળી હતી કે ચિત્રાખડા ગામે શીતળા માતાના મંદિરની બાજુવાળા વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ખનીજનું ખનન થઈ રહ્યું છે. આ હકીકતની જાણ ખાણ-ખનીજ વિભાગ, મોરબીને કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસ અને ખાણ-ખનીજ વિભાગની ટીમોએ ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન હિટાચી મશીન ઝડપાયું હતું, જેની કિંમત દંડ સાથે કુલ 45,00,000 રૂપિયા થાય છે. આ કામગીરીમાં વાંકાનેર તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર બી.વી. પટેલ, સર્વેલન્સ ટીમ અને મોરબી ખાણ-ખનીજ વિભાગની ટીમ જોડાઈ હતી.