Saturday - Jul 04, 2026

મોરબીમાં બેકાબુ કારની જોરદાર ટકકરથી બાઈક પરથી ફંગોળાયેલા આધેડનું મોત

મોરબીમાં બેકાબુ કારની જોરદાર ટકકરથી બાઈક પરથી ફંગોળાયેલા આધેડનું મોત

પુત્રીના લગ્ન પહેલા જ પિતાનું અકસ્માતમાં મોતથી લગ્નની શરણાઈના સુરને બદલે મરશિયા ગવાયા

મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર ગતરાત્રીના સમયે એક બેકાબુ બનેલી ઇનોવા કારે બાઇક ચાલકને ફંગોળ્યા હતા. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત થઈ ગયું હતું. જો કે આ બનાવની કરુણતા એ છે કે, પુત્રીના થોડા દિવસોમાં લગ્ન હોય તે પહેલાં જ પિતાનું અકસ્માતમાં મોત થતા લગ્નની ખુશીની જગ્યાએ મરશીયા ગવાતા ભારે અરેરાટી મચી ગઇ છે. જ્યારે આ ગંભીર અકસ્માત કરનાર કાર ચાલકને લોકોએ પોલીસને હવાલે કરી દેતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીમાં બેકાબુ કારની જોરદાર ટકકરથી બાઈક પરથી ફંગોળાયેલા આધેડનું મોત
મોરબીમાં બેકાબુ કારની જોરદાર ટકકરથી બાઈક પરથી ફંગોળાયેલા આધેડનું મોત

મોરબીની પંચાસર ચોકડીથી આગળ સતવારા સમાજની વાડી પાસે ઉમાવંશી પાન નામની દુકાન ધરાવતા શિવાભાઈ ભૂરાભાઈ કાનાણી ઉ.વ.58 ગત રાત્રીના તેઓની દુકાનેથી શિવનગર ખાતે આવેલા ઘરે પરત જઈ રહ્યા હતા. તેઓ જીજે 36 કયું 4834 નંબરના પોતાના બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે બેકાબુ બનેલી જીજે એએફ 1252 નંબરની ઇનોવા કારે બાઇકને હડફેટે લીધું હતું. આ અકસ્માતમાં શિવાભાઈનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

બીજી તરફ આ કાર વીજપોલ સાથે અથડાઈ ઝાડી ઝાખરામાં ઘુસી ગઈ હતી. ટક્કર એટલી ભયાનક હતી કે વીજ પોલને પણ નુકસાન થયું છે. ઉપરાંત કાર પણ આગળના ભાગેથી બુકડો બોલી ગઈ હતી. આ અકસ્માતને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. લોકોએ તુરંત પોલીસને બોલાવી કાર ચાલકને પોલીસ હવાલે કર્યો હતો. મૃતક શિવાભાઈને સંતાનમાં 3 દીકરીઓ અને એક દીકરો છે. એક દીકરીના તા.5ના રોજ લગ્ન છે. જેની કંકોત્રીનું પણ વિતરણ થઈ ગયું છે. તેવામાં શિવાભાઈનું અકસ્માતમાં મોત થતા પરિવાર ઉપર આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.