જામનગર/જોડિયા: જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના રસનાળ ગામે સમસ્ત કડવા પાટીદાર સમાજ દ્વારા આગામી તા. ૩-૦૩-૨૦૨૬ થી ૪-૦૩-૨૦૨૬ દરમિયાન 'સંત શ્રી આંબાભગતની પુણ્યતિથિ' તથા 'રસનાળ પટેલ સમાજ સ્નેહમિલન-૨૦૨૬' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ ધાર્મિક અને સામાજિક મહોત્સવમાં વિવિધ કાર્યક્રમો યોજાશે.
પ્રથમ દિવસના કાર્યક્રમો (તા. ૩-૩-૨૦૨૬, મંગળવાર):
મહોત્સવની શરૂઆત મંગળવારે બપોરે ૨:૦૦ થી ૬:૦૦ વાગ્યા સુધી પટેલ સમાજવાડી-રસનાળ ખાતે રામધૂન થી થશે. ત્યારબાદ સાંજે ૬:૦૦ કલાકે ભોજન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. રાત્રે ૯:૦૦ કલાકે રસનાળ યુવા ગ્રુપ-મોરબી દ્વારા 'ભવ્ય સંતવાણી' કાર્યક્રમ યોજાશે, જેમાં જાણીતા ભજનીક ગોપાલ સાધુ અને રાહુલ રાવળ (શિવ સાઉન્ડ-મોરબીના સથવારે) ભજનોની રમઝટ બોલાવશે.
બીજા દિવસના કાર્યક્રમો અને સન્માન સમારોહ (તા. ૪-૩-૨૦૨૬, બુધવાર):
રસનાળ પટેલ સમાજ ભવનનું એક વર્ષ પૂર્ણ થતા બુધવારે સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી સ્નેહમિલન તેમજ ભૂમિદાતાશ્રીઓના સન્માન નો કાર્યક્રમ યોજાશે. બપોરે ૧૨:૦૦ કલાકે મહાપ્રસાદ રાખવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં ગૌરવવંતા ઉદ્યોગપતિઓ ગણેશભાઈ સવજીભાઈ જીવાણી (CEO & MD, મેટ્રિક્સ કોમસેક-બરોડા), ધર્મેશભાઈ હેમરાજભાઈ જીવાણી (CEO & MD, રસનાળ ટેલિકોમ-ચંદીગઢ) તેમજ ગામનું ગૌરવ સમાન મહેશભાઈ જીવાણી (સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત પ્રચારક-R.S.S) નું વિશેષ સન્માન કરવામાં આવશે.
મહાનુભાવોની ઉપસ્થિતિ:
આ ભવ્ય સમારંભમાં અતિથિ વિશેષ તરીકે પૂર્વ કેન્દ્રીય મંત્રી પરસોતમભાઈ રૂપાલા સાહેબ ખાસ ઉપસ્થિત રહેશે. આ ઉપરાંત માનવંતા મહેમાનો તરીકે:
* જગદીશચંદ્ર કોટડીયા (ઉપપ્રમુખશ્રી, ઉમિયાધામ-સીદસર)
* હર્ષિતભાઈ કાવર (યુવા સંગઠન પ્રમુખશ્રી, ઉમિયાધામ-સીદસર)
* વાસુદેવભાઈ ચીખલીયા (સ્ટ્રક્ચર એન્જિનિયર)
* હરેશભાઈ ઘોડાસરા (પ્રમુખ સંત શ્રી આંબાભગત જગ્યા-ધ્રોલ) હાજરી આપશે.
આ સમગ્ર મહોત્સવના પ્રમુખ તરીકે રમેશભાઈ જીવરાજભાઈ જીવાણી અને ઉપપ્રમુખ તરીકે રજનીકાંતભાઈ લવજીભાઈ વરસડા સેવા આપી રહ્યા છે. સમસ્ત કડવા પાટીદાર સમાજ-રસનાળ દ્વારા તમામ ભાઈ-બહેનોને આ પાવન અવસરે સહપરિવાર પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.