Wednesday - Apr 15, 2026

મોરબીના વજેપરમાં બીજાની જમીન બારોબાર વેચવાના વધુ એક કૌભાંડમાં 6 સામે ગુનો દાખલ

મોરબીના વજેપરમાં બીજાની જમીન બારોબાર વેચવાના વધુ એક કૌભાંડમાં 6 સામે ગુનો દાખલ

મોરબી : મોરબી શહેરમાં દિનપ્રતિદિન જમીન કૌભાંડો આચરવામાં આવી રહ્યા છે. શહેરના વજેપર વિસ્તારમાં અગાઉ રેવન્યુ સર્વે નંબર 604ની જમીનમાં બોગસ વારસદાર ઉભા કરી જમીન વેચી મારવા કૌભાંડ આચરવામાં આવ્યા બાદ આવા જ વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો છે જેમાં સર્વે નંબર 318 પૈકી 1ની પાંચ વિઘા જમીન ખોટા નામ અને પુરાવા ઉભા કરી મુસ્લિમ વેપારી સાથે રૂ.1.10 કરોડમાં સોદો કરી રૂ.1.11 લાખ ટોકન પેટે લઈ છેતરપિંડી આચરવામાં આવી હતી. જો કે, મુસ્લિમ વેપારીના વકીલે પુરાવા જોતા જમીન વેચનારાઓએ બોગસ પુરવા ઉભા કર્યા હોવાનું જણાવતાં જમીનનો સોદો અટકી પડ્યો હતો અને હાલ વેપારીને 1.11 લાખનો ચુનો લાગતા જમીન કૌભાંડી એવા હળવદ, ધ્રાંગધ્રા અને મોરબીના શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ છે.

મોરબી શહેરના લાતીપ્લોટ શેરી નંબર 10મા લકી મહાસેલના નામે ધંધો કરતા જમીન મકાનના ધંધાર્થી જીકરભાઈ રજાકભાઈ ડોસાણી (રહે.રવાપર રોડ, કાલિકા પ્લોટ,મોરબી)એ આરોપી જમીન દલાલ દયારામ પૂંજાભાઈ ડાભી, રહે.રાતડીયાની વાડી, શનાળા રોડ, મુકેશ નારણભાઇ કણઝારિયા રહે. કૈલાશ પાર્ક, કંડલા રોડ, મોરબી, અલ્તાફ વલીભાઈ કોરડીયા રહે.કરાચી કોલોની, હળવદ, બળદેવ જાદવજીભાઈ વરસડા રહે.સોલડી, તા.ધ્રાંગધ્રા, કાંતિલાલ છગનલાલ કાવર રહે.બૈસાબ ગઢ તા.ધ્રાંગધ્રા અને આરોપી કાળુભાઇ લખમણભાઈ ગોલતર રહે.બૈસાબગઢ તા.ધ્રાંગધ્રા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફરિયાદી જીકરભાઈએ જાહેર કર્યું હતું કે, આરોપી દયારામ અને મુકેશ કણઝારિયાએ મોરબીના વજેપરમાં આવેલ રેવન્યુ સર્વે નંબર 318 પૈકી 1ની પાંચ વિઘા જમીન રામજી કાળા દલવાડીની હોવાનું અને આ જમીન તેમને વેચવાની હોવાનું કહેતા જીકરભાઈએ ખેડૂતને રૂબરૂ બોલાવવાનું કહેતા આરોપીઓ આવ્યા હતા જેમાં આરોપી રામજી કાળા દલવાડી બનીને આવેલ વ્યક્તિએ આધારકાર્ડ, બેંકની પાસબુક વગેરે પુરાવા આપ્યા હતા. બાદમાં પાંચ વિઘા જમીન રૂ.1.10 કરોડમાં વેચાણ આપવા નક્કી થયું હતું અને સુથી પેટે રૂ.1.11 લાખ જીકરભાઈએ આરોપીઓને આપ્યા હતા. જો કે, ફરિયાદી જીકરભાઈના વકીલે આધાર પુરાવા ચેક કરતા આરોપીઓએ બોગસ પુરવા રજૂ કર્યા હોવાનું અને હકીકતમાં રામજીભાઈ બનીને આવેલ વ્યક્તિ સોલડી ગામનો બળદેવ જાદવજી વરસડા હોવાનું કહી જમીનનો સોદો નહિ કરવા જણાવ્યું હતું.જેથી જીકરભાઈએ બન્ને જમીન દલાલ મુકેશ અને દયારામને સમગ્ર બાબત જણાવતા આરોપીઓએ ગલ્લા તલા કરી પૈસા આરોપીઓ લઈ ગયા હોવાનું જણાવી હાથ ઉંચા કરી નાખ્યા હતા.સમગ્ર મામલે હાલમાં એ ડિવિઝન પોલીસે જમીન કૌભાંડ મામલે છ આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.