Tuesday - May 05, 2026

મોરબીના પંચાસર રોડ ઉપરના 500 રહીશો એક વર્ષેથી તરસ્યા

મોરબીના પંચાસર રોડ ઉપરના 500 રહીશો એક વર્ષેથી તરસ્યા


એક વર્ષ પહેલાં ડીમોલેશન વખતે પાણીની લાઇન તૂટી ગયા બાદ માથે રોડ બનાવી દેતા પાણી મળવું મુશ્કેલ બન્યું


મોરબી : મોરબીના પંચાસર રોડ ઉપર આવેલી બે સોસાયટીના આશરે 500 લોકો બે વર્ષથી પાણીની કુત્રિમ તંગીનો સામનો કરી રહ્યા છે. એક વર્ષ પહેલાં આ સોસાયટીમાં ડીમોલેશન વખતે પાણીની લાઇન તૂટી ગયા બાદ તૂટેલી પાણીની લાઇન માર્ગે રોડ બનાવી નાખતા પાણી મળવું મુશ્કેલ બન્યું છે. આ પાણી પ્રશ્ને અનેક રજુઆત કરવા છતાં મનપા તંત્ર કોઈ જવાબ ન આપતા રહીશોમાં ઉગ્ર આક્રોશ વ્યાપી ગયો છે.

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ કે.જી.એફ એપાર્ટમેન્ટ અને ધરતી પેલેસમાં રહેતા લોકોએ પાણીનો પોકાર કરતા જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલાં નગરપાલિકા હતી ત્યારે પંચાસર રોડ નવો બનાવવા માટે અડચણરૂપ ગેરકાયદે ખડકાયેલા અનેક મકાનો ઉપર મોટાપાયે ડીમોલેશન કરીને રોડને પહોળો કરી દીધો હતો. આ રોડને પહોળો કરવાની કામગીરી દરમિયાન આ બે સોસાયટીની મેઈન પાણીની લાઇન તૂટી ગઈ હતી. આથી તે વખતના પાલિકા તંત્રએ બીજા દિવસે પાણીની આ તૂટેલી લાઇન રીપેર કરવાની ખાતરી આપ્યા બાદ આજદિન સુધી આ પાણીની લાઇન રીપેર કરવાની તસ્દી જ લીધી નથી. તેથી એક વર્ષથી આ બન્ને સોસાયટીના 500 જેટલા લોકોને પીવા માટે પાણીનું એક ટીપુંય પણ આવ્યુ નથી. આ લોકો એક વર્ષથી પાણીના એક એક બુંદ માટે તરસી રહ્યા છે. જ્યારે આ પાણીની લાઈન તૂટી ત્યારે તંત્રએ રીપેર કરવાને બદલે તૂટેલી લાઈન ઉપર માથે નવો રોડ બનાવી નાખ્યો હતો. આથી પાણીની લાઈન બુરાઈ ગઈ છે અને એક વર્ષથી પાણી ન આવતા લોકોને ક્ષારયુક્ત બોરનું પાણી પીવા મજબુર બનવું પડે છે. વધુમાં લોકોએ જણાવ્યું હતું કે, પાણીની રોજે રોજ હૈયા હોળી થાય છે. આથી પાણી પ્રશ્ને અનેક રજુઆત કરી છે પણ કોઈ જવાબ જ દેતું નથી. મનપામાં કમિશનરને મળવા કોઈ દેતું નથી. મનપામાં અનેક વખત લોકો મોરચો માંડે છે. પણ કોઈ દાદ ન દેતા પાણી પ્રશ્ન ઠેરનો ઠેર જ રહી જતા લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.