ગૌરક્ષકો, વિહીપ અને બજરંગ દળ સહિતના સંગઠનોની સંયુક્ત કામગીરી: મોરબી તાલુકા પોલીસના સહયોગથી તમામ જીવોને પાંજરાપોળ મોકલાયા
મોરબી : મોરબી ગૌરક્ષક અને ચોટીલા ગૌરક્ષકોને મળેલી બાતમીના આધારે આજે તારીખ 7 ઓગસ્ટ ને શુક્રવારના રોજ વહેલી સવારે ગૌરક્ષકો અને વિવિધ સંગઠનો દ્વારા સપાટો બોલાવવામાં આવ્યો હતો અને કતલખાને ધકેલાતા 10 અબોલ જીવોને બચાવી લેવામાં આવ્યા છે.
ગૌરક્ષકોને ચોક્કસ બાતમી મળી હતી કે કચ્છ બાજુથી માળિયા અને હળવદ થઈને અમદાવાદ તરફ એક ટાટા પીકઅપ ગાડીમાં મોટા પ્રમાણમાં અબોલ જીવોને કતલખાને લઈ જવામાં આવી રહ્યા છે. આ માહિતીના આધારે મોરબી ગૌરક્ષક, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, હિન્દુ યુવા વાહિની, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી અને ચોટીલા ગૌરક્ષકના કાર્યકરો માળિયા પાસે વોચમાં ગોઠવાયેલા હતા.
આ દરમિયાન, બાતમી મુજબની ગાડી આવતા માળિયાથી તેનો પીછો કરવામાં આવ્યો હતો અને અણિયારી ચોકડી પાસે તેને રોકાવીને ચેક કરવામાં આવી હતી. વાહનમાં તપાસ કરતા અંદર 10 પશુઓને ક્રૂરતાપૂર્વક, હલીચલી ન શકે તેવી રીતે ટૂંકા દોરડાથી બાંધેલા હાલતમાં મળી આવ્યા હતા. આ પશુઓ માટે ઘાસચારા કે પાણીની કોઈ સુવિધા ન હતી તેમજ તેમની હેરફેર માટેની કોઈ પાસ પરમિટ પણ ન હતી. વાહનના ડ્રાઈવરની કડકાઈથી પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી કે આ પશુઓ કચ્છના અંજાર બાજુથી ભરવામાં આવ્યા છે અને અમદાવાદના ઢોર બજારમાં કતલ કરવા માટે લઈ જવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં 2 આરોપીઓને ગાડી સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
ઘટના અંગે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો. મોરબી તાલુકા પોલીસ અધિકારી અને પોલીસ પ્રશાસનના ખૂબ સારા સહયોગથી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને તમામ 10 જીવોને હેમખેમ બચાવીને મોરબી પાંજરાપોળમાં સુરક્ષિત રીતે મૂકવામાં આવ્યા હતા.
અબોલ જીવોને બચાવવાની આ સમગ્ર કામગીરી મોરબી વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ દિલ્હી, રાષ્ટ્રીય સનાતન સેના, હિન્દુ યુવા વાહિની, ચોટીલા ગૌરક્ષક અને ગુજરાત રાજ્ય લીંબડી ગૌરક્ષકના કાર્યકરો દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી.