સુન્ની મુસ્લિમ વકફ કમિટીએ ધરણા અને રેલ રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી
મોરબી : માળિયા (મિયાણા) રેલવે સ્ટેશન પર કોરોના કાળમાં પેસેન્જર ટ્રેનો ઉભી રહેતી હોવાથી મુસાફરોને સરળતા પડતી હોવાની વચ્ચે કોરોના કાળ પછી આ ટ્રેનો ઉભી ન રહેવાથી માળીયાના લોકોને ભારે હાલાકી પડે છે. આથી માળીયા રલેવે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનોને સ્ટોપ આપવા મામલે સુન્ની મુસ્લિમ વકફ કમિટી માળિયા (મિયાણા) જમાત દ્વારા લડતનું એલાન કરવામાં આવ્યું છે અને આગામી દિવસોમાં માળીયા રેલવે સ્ટેશને પેસેન્જર ટ્રેનોને સ્ટોપેજ ન અપાઈ તો શાંતિપૂર્વક રીતે અહિંસક ધરણા પ્રદર્શન અને રેલ રોકો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.
સુન્ની મુસ્લિમ વકફ કમિટી માળિયા (મિયાણા) જમાત દ્વારા માળિયા (મિયાણા) રેલવે પોલીસ ફોર્સને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે, માળિયા (મિયાણા) તાલુકામાં આશરે 80 હજાર જેટલી વસતી છે. જ્યારે કોરોના દરમિયાન લોકડાઉન પહેલા માળિયા સ્ટેશન પર પેસેન્જર ટ્રેનો ઉભી રહેતી હતી. પરંતુ લોકડાઉન બાદ સ્ટોપેજ દૂર કરી દેવામાં આવ્યો છે. હાલ પેસેન્જર ટ્રેનો માળિયા (મિયાણા) રેલવે સ્ટેશન પર ઉભી રહેતી નથી. આથી માળીયાના લોકોની આજીવિકા અને શિક્ષણ પર અસર પડી રહી છે. હાલ અહીંથી 40 ટ્રેન પસાર થાય છે. પરંતુ તેમાંથી એક જ ટ્રેન ઉભી રહે છે. લોકોને 5 ટ્રેનના સ્ટોપેજની જરૂર છે. જો આ બાબતે 9 સપ્ટેમ્બર સુધીમાં યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો 1 હજાર જેટલા લોકો એકઠાં થઈને 9 સપ્ટેમ્બર, 10 સપ્ટેમ્બર અને 11 સપ્ટેમ્બર એમ 3 દિવસ રેલવે સ્ટેશન સામે શાંતિપૂર્વક રીતે અહિંસક ધરણા કરીશું. સાથે જ 12 સપ્ટેમ્બરના રોજ સૌ લોકો બપોરે 3 વાગ્યાથી 6 વાગ્યા સુધી રેલવે સ્ટેશનથી પસાર થનારી તમામ ટ્રેનોને રોકવામાં આવશે. તેથી જનતાની માંગણી અનુસાર માળિયા (મિયાણા) રેલવે સ્ટેશન પર ટ્રેનોના સ્ટોપેજ આપવામાં આવે તેવી માગ કરાઈ છે.