Sunday - May 03, 2026

વાત ગામ ગામની : મોરબીના રાજપર ગામેં સરકારી પ્રાથમિક સ્કૂલમાં એડમિશન માટે અઠવાડિયાનું વેઈટીંગ

વાત ગામ ગામની : મોરબીના રાજપર ગામેં સરકારી પ્રાથમિક સ્કૂલમાં એડમિશન માટે અઠવાડિયાનું વેઈટીંગ

રોડ, પાણી, લાઈટ, ગટરની સાથે સીસીટીવી કેમેરા,4-4 બગીચા, વોલીબોલ અને ક્રિકેટ માટે અલગ અલગ ગ્રાઉન્ડ, બગીચો જેવું મુક્તિધામ, જિમ, શોપિંગ મોલ, રાહતદરે ભોજનાલય સહિતની તમામ સુખ સુવિધાથી ગામ સંપન્ન

મોરબી : સામાન્ય રીતે સરકારી પ્રાથમિક સ્કૂલોની કંગાળ હાલત વચ્ચે મોરબીના રાજપર ગામે ઉજળા સંજોગો સામે આવ્યા છે. શહેરથી માત્ર સાત કિમીના અંતરે આવેલા રાજપર ગામમાં સમગ્ર જિલ્લા કરતા પણ ચડિયાતી સરકારી પ્રાયમરી સ્કૂલ છે. જેમાં ધો.1થી 8 સુધીની સ્કૂલમાં તમામ હાઈટેક શિક્ષણની સુવિધાઓ અને ખાનગી સ્કૂલ કરતા પણ ચડિયાતા ક્વોલિકાઈડ શિક્ષકો અને ભાર વગરનું ભણતર તેમજ રમતગમત સહિતની બાળકોના સર્વાંગી વિકાસ માટેની તમામ સુવિધાઓ હોવાથી આ સ્કૂલમાં એડમિશન લેવા પડાપડી થાય છે. એટલે જ એડમિશન માટે એક અઠવાડિયાનું વેઈટીંગ આવે છે. આ ઉપરાંત ગામમાં મોરબી કરતા પણ ચડિયાતી સુવિધા છે.આ અંગે ગામના અગ્રણી હિતેશભાઈ મારવણીયાએ જણાવ્યું હતું કે, તેમનું ગામ આશરે 300 વર્ષ જૂનું ગામ છે. ગામની હાલની વસ્તી 4200ની આસપાસ છે. આમ તો ગામનો મુખ્ય વ્યવસાય ખેતી છે. પણ વર્ષોથી આ ગામ મોરબીની નજીક હોવાથી જે તે સમયે સાયકલ લઈને મોરબી ધંધાર્થે જતા અને હવે બાઈક અને કાર જેવા વાહનો આવી ગયા હોવાથી ગામના મોટાભાગના લોકો કોઈને કોઈ ઉધોગ-ધંધા કે નોકરી અર્થે જોડાયેલા છે. આ ગામમાં મોરબીમાં પણ ન હોય તેવી સુવિધાઓમાં જોઈએ તો દરેક શેરીમાં સીસીરોડ, ભૂગર્ભ ગટર, ઘરેઘરે નળ કનેક્શન, નિયમિત સફાઈ, લાઈટ સહિતની મૂળભૂત જરૂરિયાતની સાથે સીસીટીવી કેમેરા, 9થી10 સુધીની હાઇસ્કુલ, ગામમાં અલગ અલગ સ્થળે 4 બગીચા, બેન્ક, સરકારી દવાખાનું,જિમ, બોક્સ ક્રિકેટ ગાઉન્ડ, ઓપન ક્રિકેટ ગાઉન્ડ, વોલીબોલ ગાઉન્ડ, વિવિધ પ્રસંગોની ઉજવણી માટે સમાજવાડી, માત્ર 30 રૂપિયાના ટોકન દરે ચાલતું ભોજનાલય, લોકોને કોઈપણ જાતની અંધશ્રદ્ધા વગર અને ડર વગર હરવા ફરવાનું મન થાય એવું મુક્તિધામ અને ગામ લોકોને ખરીદી માટે મોરબી ધક્કો ન થાય એ માટે શોપિંગ મોલ, ખેડૂતો માટે એગ્રો અને 4500 વૃક્ષોથી ગામ લીલુંછમ હરિયાળું છે. જો કે શ્વાનો માટે રોટલી બનાવવાનું સદકાર્ય ચાલતું હોય પહેલા એનો દુકાનમાં માલ રખાતો પણ હવે ગ્રામજનોના સહકારથી અલગ રૂમ બનાવી તેમા નિયમિત રોટલી બનાવીને લોકો શ્વાનોને નાખવા માટે પોત પોતાની રીતે રોટલી લઈ જાય છે. ગામમાં નિયમિત અલગ હોલમાં રામધુન અને સુંદરકાંડ ચાલે છે. તેમજ તમામ જ્ઞાતિ હળી મળીને એકસાથે તહેવારોની ઉજવણી કરે છે. એટલે ગામમાં હાલ કોઈ વાતનું દુઃખ નથી.ગામ સુખમાં ધુબાકા મારે છે.

વાત ગામ ગામની : મોરબીના રાજપર ગામેં સરકારી પ્રાથમિક સ્કૂલમાં એડમિશન માટે અઠવાડિયાનું વેઈટીંગ

એરપોર્ટ બનવવાની વાત હજુ પણ હવામાં

રાજપર ગામ રાજાશાહી વખતથી જાણીતું છે. એનું કારણ એ છે કે, રાજપર ગામે તત્કાલીન રાજવી સર વાઘજી ઠાકોરના સમયમાં અહીં એરપોર્ટ બનાવવામાં આવ્યું હતું. પણ લોકશાહીનો ઉદય થાય એ પહેલાં જ આ એરપોર્ટ ભૂતકાળ બની ગયું છે. હવે નવેસરથી તે જ જગ્યાએ વર્ષોથી એરપોર્ટ બનાવવાની વાતો ચાલી રહી છે.જો કે એરપોર્ટ બનાવવા માટે  સરકાર તરફથી જરૂરી તમામ પ્રક્રિયા પુરી કરી દેવામાં આવી છે. પણ હજુ એરપોર્ટ બનાવવા માટે કોઈ નક્કર કામગીરી કરાઈ નથી.
 

વાત ગામ ગામની : મોરબીના રાજપર ગામેં સરકારી પ્રાથમિક સ્કૂલમાં એડમિશન માટે અઠવાડિયાનું વેઈટીંગ

ગામનો વ્યાપ વધ્યો, બહારથી આવીને લોકો વસ્યા

સામાન્ય રીતે ગામડાઓ ભાંગી રહ્યા હોય ત્યારે રાજપર ગામનો વિકાસ  શહેર કરતા પણ દિન દોગની રાત ચોગની રીતે થઈ રહ્યો છે. આ ગામનો વ્યાપ એટલો વધી ગયો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં નવા નવા પ્લોટિંગ પડયા અને અનેક નવી સોસાયટીઓ, એપાર્ટમેન્ટ બન્યા છે. આથી ગામમાં ઘણા લોકો આવીને વસ્યા છે અને અહીં ઉધોગ ધંધા પણ વિકસી રહ્યા હોવા છતાં ગામની મૂળ ગ્રામીણ પરંપરા જળવાઈ રહી છે.

વાત ગામ ગામની : મોરબીના રાજપર ગામેં સરકારી પ્રાથમિક સ્કૂલમાં એડમિશન માટે અઠવાડિયાનું વેઈટીંગ

જિલ્લામાં ન હોય એવું સુંદર ગાર્ડન

રાજપર ગામમાં સમગ્ર મોરબી જિલ્લામાં ન હોય એવું સુંદર ગાર્ડન બનાવવામાં આવ્યું છે. ગામન તળાવની પાસે તમામ જાતના મનોરંજનના સાધનો સાથે અને અનેક વૃક્ષો સાથે નયનરમ્ય બાગ હોવાથી દર અઠવાડિયે રજાના દિવસે લોકો પરિવાર સાથે અહીં ફરવા આવે છે. તળાવનું પણ જોરદાર બ્યુટીફિકેશન કરીને બોટીંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. પણ ઝૂલતાપુલની દુર્ઘટના બાદ સલામતી માટે બોટીંગ બંધ કરવામાં આવ્યું છે.

વાત ગામ ગામની : મોરબીના રાજપર ગામેં સરકારી પ્રાથમિક સ્કૂલમાં એડમિશન માટે અઠવાડિયાનું વેઈટીંગ