લગ્ન પ્રસંગોમાં ખોટી દેખાદેખી માટે લાખોના ધૂમ ખર્ચાઓ ટાળવા કડવા પાટીદાર સમાજની સુધારાત્મક ચળવળ
મોરબી : મોરબીમાં સૌથી વધુ બહુમતી ધરાવતા અને સુખી સંપન્ન ગણાતા કડવા પાટીદાર સમાજે હવે લગ્ન જેવા સામાંજિક પ્રસંગો એકદમ સદાયથી કરવા માટે એક મિશાલ કાયમ કરી છે. લગ્ન પ્રસંગોમાં ખોટા દંભ અને દેખાડા માટે લાખોના લખલૂટ ખોટા ખર્ચાઓ અટકાવવા માટે મોરબી કડવા પરિવાર સમાજે ઉમા આદર્શ લગ્ન યોજનાની ક્રાંતિકારી પહેલ કરી છે. ઉચ સમાજથી બદલાવ આવતો હોય એમ આ યોજના માત્ર વ્યવસ્થા નહીં ગૌરવ અને સંસ્કારનું પ્રતીકની સાથે દરેક સમાજ માટે પ્રેરણાદાયી બની ગઈ છે. કારણ કે આ યોજના શરૂ થયાના ટૂંકા ગાળામાં અસંખ્ય પરિવારોએ જોડાઈને લગ્નમાં ખોટા ખર્ચા નહિ કરવાની વિચારધારાને મૂર્તિમંત્ર કરી છે.
મોરબીમાં ઉમા આદર્શ લગ્ન યોજનાએ શરૂઆતના માત્ર 13 માસના ટૂંકા ગાળામાં જ કડવા પાટીદાર સમાજને એવી રીતે જાગૃત કર્યો કે, કુલ બુકિંગ 530 લગ્નોમાંથી 366 લગ્નો સફળતાપૂર્વક સંપન્ન થયા છે. આ આંકડા પરથી એક વાત નિશ્ચિત છે કે પાટીદાર સમાજ સમયાંતરે પરિવર્તન લાવીને હવે લગ્ન જેવા સામાજિક પ્રસંગોમાં ખોટા ખર્ચા, દેખાડા બંધ કરી સાદગીપૂર્ણ લગ્ન તરફ વળી રહ્યો છે. સમૂહ લગ્નનો ઉદ્દેશ્ય આર્થિક રીતે સામાન્ય અને મધ્યમ વર્ગને મદદરૂપ થવાનો છે. પરંતુ ઉમા આદર્શ લગ્ન યોજના તેનાથી એક ડગલું આગળ છે. અહીં દરેક પરિવારને પોતાની અનુકૂળતા મુજબ સ્વતંત્ર રીતે લગ્ન કરવાની છૂટ મળે છે. ઉમા સંસ્કારધામ ખાતે આયોજિત આ લગ્નોમાં દંપતી અને પરિવારને પૂરેપૂરું માન-સન્માન મળે છે. લગ્ન એ ખર્ચનું પ્રદર્શન નહીં, પરંતુ સંસ્કારનું પ્રતીક હોવું જોઈએ" આ મંત્રને ઉમા આદર્શ લગ્ન યોજનાએ સાર્થક કર્યો છે.
ખોટી દેખાદેખી અને આર્થિક ભારણમાંથી મુક્તિ
આજના હાઈટેક યુગમાં લગ્ન એટલે લાખો-કરોડોનો ખર્ચને કારણે દેવાતળે દબાતા પરિવારોની હાલત કફોડી થઈ જાય છે. ત્યારે આ યોજના મધ્યમ અને સામાન્ય વર્ગના પરિવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની છે. આ યોજનાના કારણે ખોટી સામાજિક પ્રથાઓ જેવી કે દીકરીઓને ગજા બહારનો કરિયાવર આપવો, ભવ્ય લગ્ન મંડપ સાથે અનેક પકવાન રસીલા વ્યજનો સાથેનો જાજરમાન જમણવાર, વાડી પાર્ટીપ્લોટમાં જ ભવ્યાતિભવ્ય લગ્નો કરવાથી સમાજમાં મોભો જળવાઈ રહે ! નહિતર સમાજમાં આપણી આબરૂ કેવી રહેશે ? આ બધા જ ખોટો વૈભવ દેખાડવાના મનઘડત રિવાજો પર તિલાંજલિ આવી ગઈ છે.