કામદારોને લઘુત્તમ વેતન-પગાર પાવતી આપવા બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ
મોરબી : મોરબી માત્ર ગુજરાત કે ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ભારતનું સિરામિક કેપિટલ તરીકે ઓળખાય છે. આ ઉદ્યોગોમાં હજારો શ્રમિકો કામ કરે છે.પરંતુ દુઃખની અને ગુજરાત માટે શરમજનક વાત એ છે કે, શ્રમિકોને લઘુતમ વેતન આપવામાં આવતું નથી અને પગારની સ્લીપ પણ આપવામાં આવતી નથી જેથી શ્રમિકોને કાનૂની હક્ક મળતા નથી. આથી મોરબી જિલ્લામાં કામદારોને લઘુત્તમ વેતન અને પગાર પાવતી આપવા બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવાની સિલિકોસીસી સંઘ દ્વારા માંગ કરવામાં આવી છે.
સિલિકોસીસી પીડિત સંઘે જણાવ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ અનેક વખત કહ્યું છે કે, ભારતનો વિકાસ કામદારોની મહેનત દ્વારા જ થયો છે અને તેઓ એ દેશની વાસ્તવિક તાકાત છે. તેમ છતાં મોરબીના અનેક કામદારો આજે લઘુત્તમ વેતન અને પગાર પાવતી જેવા મૌલિક હક્કોથી વંચિત છે. સિલિકોસીસી સંઘની ટીમે કરેલ અભ્યાસમાં સામે આવ્યું હતું કે, કાયદાનું પાલન ખાસ કરીને ગુજરાત બહારથી આવતા કામદારો સાથે ઓછું થાય છે, અને તેઓ પોતાની મજબૂરીને કારણે આ અન્યાય સહન કરે છે. અને તેઓની પરિસ્થિતિનો લાભ લઈને કામદારોનું શોષણ કરવામાં આવે છે.
સીલીકોસીસ પીડીત સંઘના સીલીકોસીસ પીડીત કામદારોએ કેદમાં કાયદા– મોરબીમાં કાયદાના અમલની વાટ જોતા શ્રમજીવીઓ અભ્યાસની નકલ આપેલ હતી, જેમાં ઘણા મુદા આવરી લેવામાં આવેલ છે. તેઓએ કરેલ સર્વેમાં કુલ 2000 ઉતરદાતામાંથી આશરે 440 ઉતરદાતા (22%) ને 13,500 થી ઓછું વેતન મળે છે, જે લઘુત્તમ વેતનથી પણ ઓછું છે. અને કાયદાનો ખુલ્લેઆમ ઉલ્લંઘન થાય છે. અને સર્વે કરેલા 290 યુનિટમાંથી 211 યુનિટમાં કામદારોને કોઈ પગાર પાવતી આપવામાં આવતી નથી જો કે, ઘણા કામદારો પાસે હાજરી કાર્ડ હોય છે તેમાં હાજરી કાર્ડમાં નામ અને એકમ અંગે કોઈ માહીતી હોતી નથી.