Sunday - May 03, 2026

કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલા નુકસાનનું વળતર આપવાની માંગ

કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલા નુકસાનનું વળતર આપવાની માંગ


ખેડૂતો, ઉદ્યોગકારો અને સામાન્ય લોકોને થયેલા નુકસાનનો સર્વે કરાવી સહાય આપવા મુખ્યમંત્રીને રજુઆત

મોરબી: ૧૯ માર્ચના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં આવેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાએ ભારે તારાજી સર્જી છે. આ કુદરતી આફતને કારણે થયેલા નુકસાન અંગે યોગ્ય સર્વે કરાવી અસરગ્રસ્તોને વળતર આપવા માટે ગુજરાત પ્રદેશ આમ આદમી પાર્ટીના જોઈન્ટ સેક્રેટરી કાંતિલાલ ડી. બાવરવા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

મુખ્યમંત્રીને લખેલા પત્રમાં કાંતિલાલ બાવરવાએ જણાવ્યું છે કે વરસાદ અને વાવાઝોડાથી ખેડૂતોના રવિ પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે. ખાસ કરીને બાગાયતી પાકો જેવા કે દાડમ, લીંબુ અને કેરીના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. આ ઉપરાંત ઘઉં, રાયડો, જીરું અને એરંડા જેવા પાકો પણ નષ્ટ થઈ ગયા છે, જેનાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે.

કૃષિ ક્ષેત્ર ઉપરાંત ઉદ્યોગો અને સામાન્ય નાગરિકો પણ આ તારાજીનો ભોગ બન્યા છે. વાવાઝોડાના કારણે ફેક્ટરીઓના છાપરા ઉડી ગયા છે, અંદર રહેલા માલસામાનને નુકસાન થયું છે અને ઔદ્યોગિક તેમજ રહેણાંક વિસ્તારોમાં લગાવેલી મોંઘી સોલાર પેનલો તૂટી ગઈ છે. ગરીબ લોકોના ઝૂંપડા અને મકાનોના છાપરા પણ ઉડી ગયા હોવાનો ઉલ્લેખ પત્રમાં કરાયો છે, જેથી દરેક વર્ગને નાનું-મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

વર્તમાન મંદીના સમયમાં આ આર્થિક નુકસાન દરેક વર્ગ માટે પડ્યા પર પાટા સમાન સાબિત થયું છે. તેથી, આમ આદમી પાર્ટીએ સરકાર સમક્ષ માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે નુકસાનીનો સર્વે કરવામાં આવે અને ખેડૂતો, ઉદ્યોગકારો તેમજ સામાન્ય નાગરિકો સહિત તમામ અસરગ્રસ્તોને સત્વરે યોગ્ય આર્થિક સહાય ચૂકવવામાં આવે. આ રજૂઆતની એક નકલ રાજકોટ કલેક્ટરને પણ જાણ તેમજ યોગ્ય આદેશ કરવા અર્થે મોકલવામાં આવી છે.